Sunday, December 14, 2008

હે પ્રભો !
વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામું,
એ મારી પ્રાર્થના છે.
દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે
મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.
મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,
પણ મારું બળ તૂટી ન પડે.
સંસારમાં મને નુકસાન થાય,
કેવળ છેતરાવાનું જ મને મળે,
તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.
મને તમે ઉગારો - એવી મારી પ્રાર્થના નથી,
પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.
મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,
પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.
સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,
દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય
ત્યારે તમે તો છો જ -
એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

- રવીન્દ્રનાથ ટાગોર

દવા માટે કોઈ વલખે છે તો કોઈ દુઆ માટે,


દવા માટે કોઈ વલખે છે તો કોઈ દુઆ માટે,
કરે છે ધમપછાડા લોક જીવન જીવવા માટે.

વખત પર ના ફળી જ્યારે દુઆ તો ભેદ સમજાયો,
કે બાજુમાંથી ઊઠ્યા’તા ઘણા હાથો દુઆ માટે.

છતાં અફસોસ કે જઈ માનવી ફેંકાય દોઝખમાં,
નહીંતર સ્વર્ગ ક્યાં સર્જ્યું છે તેં તારા ભલા માટે?

છે એનો સ્પષ્ટ મતલબ કે ખુદા ખુદ મૂડીવાદી છે,
મુકદ્દ્રર એકસરખા હોત ના નહીંતર બધા માટે?

બધા ઝગડાની જડ પણ તું જ, જિમ્મેદાર તું ઈશ્વર,
તું ધારત તો ન હોતે ધર્મ અહીં એક જ બધા માટે?

કોઈનો એબ જોવા વેડફો ના તેજ આંખોનું,
કે એણે આંખ આપી છે તો સારું દેખવા માટે.

હકૂમતના જ હાથોમાં જો હોતે જળ, હવા, ઓજસ,
‘જલન’ તકલીફ પડતે ખૂબ જીવન જીવવા માટે.

- જલન માતરી

તને જાતાં જોઈ પનઘટની વાટે

તને જાતાં જોઈ પનઘટની વાટે
મારું મન મોહી ગયું,
તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારું મન મોહી ગયું,

કેડે કંદોરો ને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારું મન મોહી ગયું.

બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારું મન મોહી ગયું.

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારું મન મોહી ગયું


- અવિનાશ વ્યાસ
સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે।

- કલાપી

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો - શું આંસુનાં પણ નામ હતાં.

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે - બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી - કંઈ રસ્તા પણ બદનામ હતાં.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો ?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા !

- સૈફ પાલનપુરી

સાંજના પાછો ઘેર આવું છું
દ્વાર મારું જ ખટખટાવું છું
બીજું તો શું બહારથી લાવું ?
ઊંચકી હું મને જ લાવું છું.

- ઘાયલ

કવિતા


ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે ?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે ?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.

- જયન્ત પાઠક

કવિતા ન કરવા વિશે કવિતા

કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય ?

સરવરો સુકાઈ જાય ?
નદીઓ વહેતી થંભી જાય ?
ડુંગરા ડોલી ઊઠે ?
ઘાસ ઊગતું બંધ થઈ જાય ?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય ?
ના, ના, એવું એવું તો ના થાય -

પણ… પછી
જળપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊચેં ના જાય.

કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ, તો કશું ના થાય
- એટલે કે કશું થાય જ નહીં !

- જયન્ત પાઠક

વરસોનાં વરસ લાગે

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

- મનોજ ખંડેરિયા