માણસ જુઓને કેટલો ભયભીત જણાય છે !
એના જ વિશે એ જ અનિશ્ચિત જણાય છે.
અંદરની અંધાધૂંધી ક્યાંથી ખબર પડે ?
બાકી બહારથી તો વ્યવસ્થિત જણાય છે.
આ કાન પણ થાકયા હવે પડઘાને સાંભળી,
સાચુકલા અવાજથી વંચિત જણાય છે.
માટીપગો માણસ સ્વયં દરવાજો ખોલશે,
એ વાતથી કિલ્લો ઘણો લજ્જિત જણાય છે.
ડૂબી ગયા પછી જ ગહનતા મળી શકે,
સંકેત કેટલો અહીં ગર્ભિત જણાય છે !
- અશોકપુરી ગોસ્વામી