Monday, December 8, 2008

આ મહોબ્બત છે કે છે એની દયા કહેતા નથી,
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી.
બે જણાં દિલથી મળે તો એક મજલીસ છે “મરીઝ”,
દિલ વિનાં લાખો મળે એને સભા કહેતા નથી.

-મરીઝ.

કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે

- મરીઝ

પહેલાં કવિતા લખવી ઘણી સરળ હતી

પહેલાં કવિતા લખવી ઘણી સરળ હતી
ઘરનાં આંગણે
પીપળાની ડાળીઓથી ઉછળીને
આવતાં જતાં બાળકોની થેલીઓથી
નીકળીને
રંગ બેરંગી
ચકલીઓની ચિં ચિં
માં ઢળીને
કવિતા જયારે મારા ઘેર આવતી હતી
મારી કલમથી જલ્દી જલ્દી
પોતાને પૂરે પૂરી વર્ણવી જતી હતી

હવે બધાં દ્ર્શ્યો બદલાઇ ચુકયાં છે
નાનાં નાનાં ત્રિભેટેથી
પહોળા માર્ગો બની ચુકયા છે
મોટી મોટી બજારો
જુની ગલીઓ અને શેરીઓની ગળી ચુકી છે
કવિતાને મારા વચ્ચે
હવે ઘણૂં લાંબુ અંતરછે
આ માઇલોના લાંબા અંતરમાં
ક્યાંક અચાનક બૉમ ફૂટે છે
માંઓ ની કુંખમાં પોઢેલ બાળકો ડરી ઉઠે છે
ધર્મ અને રાજકરણ મળીને
નવા નવા નારાઓ ઉછાળે છે
ઘણાં શહેરો ,ઘણા દેશો પસાર કરી
જયારે કવિતા મારા ઘર પર પ્રવેશ કરે છે
એટલી થાકેલી હોય છે કે
મારા લખવાન ટેબલ પર
કોળા કાગળને કોળોજ છોડી દઇને
વિદાય થઇ જાય છે
અને કોઇ ફૂટપાથ પર જઇને
શહેરના સૌથી વયો વૃધ્ધ માણસ ની આંખોની પાંપણે
અશ્રુ બની ને
સૂઇ જાય છે.

- નીદા ફાઝલી
(ઉર્દૂ માંથી ગુજરાતીમાં અનુવાદ_વફા)


ચાલ વરસાદની મોસમ છે વરસતા જઇએ,
ઝાંઝવા હો કે દરિયાવ તરસતા જઇએ।


- હરીન્દ્ર દવે

દોસ્તોની મ્હેર કે સંખ્યા વધી ગઈ જખ્મની,
દુશ્મનોનું એ પછી વર્તુલ નાનું થઈ ગયું


-‘સૈફ’ પાલનપુરી

ઘર તમે કોને કહો છો?


ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે,
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર-ટોપીનોય-માથેથી ઊતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?



-નિરંજન ભગત


રાતદિવસનો રસ્તો વ્હાલમ, નહિ તો ખૂટે કેમ
તમે કરજો પ્રેમની વાતો, અમે કરીશું પ્રેમ

-સુરેશ દલાલ
મન દઈને‘મરીઝ’એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

- મરીઝ

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

- હરીન્દ્ર દવે.

કેવી રીતે વીતે છે વખત શું ખબર તને?
તે તો કોઇ’દી કોઇની પ્રતિક્ષા નથી કરી.


- બરકત વિરાણી “બેફામ”.