Tuesday, December 9, 2008

આપી શકે તો આપ મને જીવતાં કફન
મૃત્યુની બાદ એની જરૂરત નહીં રહે
મિત્રો બૂરા સમયમાં દિલાસો એ દઇ ગયા
‘યુસુફ‘ સદાય તારી આ હાલત નહીં રહે
- યુસુફ બુકવાલા
-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ,બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

-હેમેન શાહ

તમારા પ્રતાપે બધા ઓળખે છે.

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ, કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની, મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે, કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને, દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

- શૂન્ય પાલનપુરી

મને ખ્યાલ પણ નથી



આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોનાં મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

- હરીન્દ્ર દવે