Saturday, January 10, 2009

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ,
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ.
કિન્તુ મને ન છોડ અટુલો પ્રવાસમાં,
કાંઇ નહીં તો છેવટે ઠોકર બનીને આવ.

- બેફામ

હરિન્દ્ર,
તારા દીપોત્સવી અંક ઉપરના શ્રીનાથજી ઉપર ભૂલથી પગ પડી ગયો.
પણ શ્રીનાથજી એ ચીસ પાડી નહિ
મેં તરત જ એમના પર હાથ ફેરવી આંખ પર લગાડ્યો.
પણ સાચુ કહું?
હું ઘણો અસ્વસ્થ થઇ ગયો.

જાતજાતના કેતા બિહામણા સ્વપ્ના આવી ગયા
આમ તો જાણું છું -
આવતી કાલે આ બધાં શ્રીનાથજી પસ્તીમાં વેચાશે
અને પસ્તીવાળો વાણિયો વજન જોખતાં ચાલાકીથી
શ્રીનાથજીનું પલ્લુ આઘુ પાછું કરી દેશે
અને ત્યારે પણ શ્રીનાથજી કશું નહી બોલે
અને હા,મને યાદ આવ્યું
ગયા વર્ષે અમારા પાડોશી એ સંડાસની બારીના તૂટેલા કાચની જગ્યાએ
શ્રીનાથજી નુ કેલેન્ડર બેસાડેલું
ત્યારે પણ શ્રીનાથજીએ ક્યાં બૂમ પાડી હતી?

- વિપિન પરીખ