Tuesday, December 30, 2008

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.

હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.

સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.

જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં ‘ઘાયલ’
કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે.

- અમૃત ઘાયલ


હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે

હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે
ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે

ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે
જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે

ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી
મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે

સહારો આંસુઓનો પણ હવે ક્યાં બાકી
રુદનના કારણો દુનિયા ખુલાસા વાર માંગે છે

-કૈલાસ પંડિત