Tuesday, January 27, 2009

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તને ય ખબર હોવી જોઇએ.

એક રોશની રહે છે સતત મારા પંથમાં,
મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.

લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.

નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.

ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.

હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.

આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.

‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી

- બરકત વિરાણી 'બેફામ'

ચાલ મળીએ

ચાલ મળીએ કોઇ પણ કારણ વિના,
રાખીએ સંબંધ કંઇ સગપણ વિના.

એક બીજાને સમજીએ આપણે,
કોઇ પણ સંકોચ કે મુંઝવણ વિના.

કોઇને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઇ પણ અવરોધ કે અડચણ વિના.

આપ તો સમઝીને કંઇ બોલ્યા નહીં,
મેં જ બસ બોલ્યા કર્યું , સમઝણ વિના.

- બાલુભાઇ પટેલ