Saturday, December 13, 2008

મારો સમય નથી

તમને સમય નથી અને મારો સમય નથી;
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી !

વીસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી !

રોકી રહી છે તમને તમારી શરમ, અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી !


– બાપુભાઈ ગઢવીરોજેરોજ હું પ્રાર્થના કરું છું –
હે ભગવાન,
જે કામ કરવાની મારી ઈચ્છા ન હોય, તે કામ
કરવા માટે મને ફરી શક્તિ આપો.

'શા માટે ?' – એમ પૂછ્યા વિના આજ્ઞાધીનપણે નમવાની,
સત્યને ચાહવા ને સ્વીકારવાની
અને જૂઠાણાને ધુત્કારી કાઢવાની
આ ટાઢીહિમ દુનિયા સામે
આંખમાં આંખ માંડીને જોવાની
સ્પર્ધામાં જેઓ મારાથી આગળ નીકળી જાય
તેમને માટે આનંદ મનાવવાની
મારો બોજો આનંદથી, ભય વિના ઉપાડવાની
અને જેમને મારી મદદની જરૂર હોય
તેમના ભણી હાથ લંબાવવાની,
હું શું છું – તેનું માપ
હું શું આપું છું તેના પરથી કાઢવાની
મને શક્તિ આપો, ભગવાન !
જેથી હું સાચી રીતે જીવી શકું.

(અજ્ઞાત)
- અનુ. કુન્દનિકા કાપડીઆ

પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !

- બેફામ

આજ ભલેને તારી હોડી
મજલ કાપતી થોડી થોડી,
યત્ન હશે તો વહેલી મોડી,
એ જ ઊતરશે પાર, ખલાસી !…

-ગની દહીંવાલા

પરિચય

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.

મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

- ‘સૈફ’ પાલનપુરી

ઘરથી કબર સુધી.

સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી।

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ધર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા'તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

'બેફામ' તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

-'બેફામ'