Saturday, August 29, 2009

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.

હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

રદીફને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

કદી તેં હાંક મારી'તી ઘણા વર્ષો થયા તો પણ,
હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.


- ખલીલ ધનતેજવી

Sunday, August 16, 2009

એક પોએટ એટલે મૂંઝાય છે,
ભાષાબાઈ એઇડ્સથી પીડાય છે.

વ્હેર ધ શુ પિન્ચીઝ ખબર પડતી નથી,
બ્લડસ્ટ્રીમમાં પીડા જેવું થાય છે.

એઈજ સિક્સટીની થઈ ગઈ એ ખરું,
કિન્તુ તું સિક્સટીન દેખાય છે.

હું લખું ઇંગ્લીશમાં તારું નામ ને,
એમાં સ્પેલિંગની ભૂલો થાય છે.

શી વુડન્ટ લિસન ટુ એનિવન અદમ,
આ ગઝલને ક્યાં કશું કહેવાય છે.

- અદમ ટંકારવી.

Sunday, August 9, 2009

કેવળ દુઆનો દોર ઉપર દોર હોય છે,
સાથે ગઝલ લખ્યાની મજા ઓર હોય છે !

સુક્કાં થયેલાં ફૂલ કહે રંગ ક્યાં ગયા ?
સાચ્ચે જ ખુશબૂઓના અલગ ન્હોર હોય છે.

કાં તો તૂટી જશે ને નહીંતર ખૂટી જશે,
યાદો જૂનીપુરાણી ને કમજોર હોય છે.

દિવસની જેમ રાત પડે આંખમાં ઊગે,
સપનું દઝાડવાનો નવો પ્હોર હોય છે.

ચૂકવું છું ક્યારનોય વિરહ રોકડો કરી,
તારું મિલન તો ખૂબ નફાખોર હોય છે.

– અંકિત ત્રિવેદી

Saturday, August 1, 2009

તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?


તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા
આખીય જિંદગી બળ્યા છો ?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના
મારગથી કાંટાઓ શોધ્યા
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના
તડકાઓ અંગ ઉપર ઓઢ્યા

તમે એકવાર એનામાં ખોવાયા બાદ
કદી પોતાની જાતને જડ્યા છો?

તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી
ખુદમાં વરસાદ થતો જોયો
તમે કોઇના આભને મેઘધનુષ આપવા
પોતાના સૂરજને ખોયો

તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં
માથુ મૂકીને રડ્યા છો ?

- મુકેશ જોષી.

પ્રિસ્ક્રિપ્શન

૧. લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું.

૨. નિરાશાની એક કેપ્સ્યુલ દિવસમાં ચાર વાર લેવી. (નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે ફકત
કંપની જુદી છે.)

૩. સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી.

૪. આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં.

૫. દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું. (એ મેસર્સ મજનુ એન્ડ રાંઝાને ત્યાં મળે છે.)

૬. પેટમાં બળતરા થતી હોય તો એક પ્યાલો ઠંડું મૃગજળ ધીરે ધીરે પીવું.

૭. યાદ બહુ જલદ દવા છે. પરંતુ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે, માટે ચાલુ કામકાજમાં ભેળવીને
લેવી.

૮. અઠવાડિયે એક વાર એકસપાયરી ડેટ પછીનું ઈશ્કનું ઈન્જેકશન લેવું.

૯. શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે.

૧૦. આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી.


સહી
અનરજિસ્ર્ટડ પોએટ્રી પ્રેકટિશ્નર

- હેમેન શાહ