Sunday, January 4, 2009

સીધો પરિચય છે

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે
રૂદનમાં વાસ્તવિકતા છે-ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે
આ મારું મન, ઘણા વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદ તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.

મને જોઇ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો!
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે "સૈફ" સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

- સૈફ પાલનપુરી

મેં દીઠા છે !

મૂલ, તોલ ને માપ વિહોણા,
આપ વિહરિયેં આપ વિહોણા.

ભૂલ, ચૂક કે થાપ વિહોણા,
તિલક, માલા, છાપ વિહોણા.

પુણ્ય વિહોણા, પાપ વિહોણા,
જાગ્યા કરિયેં જાપ વિહોણા.

આખે આખા શ્વાસ સમર્પિત,
કાપાકૂપી, કાપ વિહોણા.

તરવેણીને તીર તબકિયેં,
ત્રણે પ્રકારે તાપ વિહોણા.

વંશી વણ પણ મે દીઠા છે,
દીઠા છે શરચાપ વિહોણા.

આ તો અમથો વેશ ધર્યો છે,
મૂળે તો મા-બાપ વિહોણા.

- રાજેન્દ્ર શુકલ

શહેરમાં…..

એક અફવા છે ભયંકર શહેરમાં,
અશ્રુઓ સારે છે પથ્થર શહેરમાં.

શહેર છે કે સરહદી વિસ્તાર છે,
છે પડ્યું પાથર્યું લશ્કર શહેરમાં.

કાગડો વાચાળ બનતો જાય છે,
મૌન ઘૂંટે છે કબૂતર શહેરમાં.

લોકટોળા પર બધું નિર્ભર નથી,
કર્ફ્યુ પણ ઊજવે છે અવસર શહેરમાં.

દેવદરબારે મળી દાનવસભા,
ઊંઘતો ઝડપાયો ઈશ્વર શહેરમાં.

લોક પાડોશીને પણ ના ઓળખે,
એ જ ખૂબી છે બિરાદર શહેરમાં.

રાખજે ખિસ્સામાં સરનામું ખલીલ,
છે અકસ્માતો ભયંકર શહેરમાં.

-ખલીલ ધનતેજવી

દર્દની ભેટ

એક દી સર્જકને આવ્યો કૈં અજબ જેવો વિચાર;
દંગ થઈ જાએ જગત એવું કરું સર્જન ધરાર!

ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક,
ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક.


મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી,
વૃક્ષથી પરમાર્થ કેરી ભાવના ભેગી કરી.

બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મજધારથી,
મેળવ્યો કંકાસ મીઠો મોજના સંસારથી

પ્રેમ સારસનો ઉપાડ્યો પારેવાનો ફડફડાટ,
કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ.


ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ;
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ.

પંચભૂતો ભેળવી એ સર્વનું મંથન કર્યું,
એમ એક દી સર્જકે એક નારીનું સર્જન કર્યું.


દેવદુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી,
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી.


-‘શૂન્ય’ પાલનપુરી.