Monday, December 22, 2008

આપણી વચ્ચે

આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

સમજું છું એથી તો જોને
ચૂપ રહેવાની વાત કરું છું
ધુમ્મસ જેવા દિવસોની હું
ઘોર અંધારી રાત કરું છું

વાસંતી આ હવા છતાંયે સાવ ઉદાસી મોસમ છે.
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.

હવે વિસામો લેવાનો પણ
થાક ચડ્યો છે
આપણો આ સંબંધ
આપણને ખૂબ નડ્યો છે.

આમ જુઓ તો ખુલ્લેઆમ છે ને આ જુઓ તો મોઘમ છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

-સુરેશ દલાલ

એકલવાયો

મારા એકાંતમાં
ધસી રહી છે એ સભાઓ
- જેમાં હું ગયો નથી.

મારા પુણ્યમાં પ્રબળ
રહ્યાં છે એ પાપો
- જે મેં કર્યાં નથી.

મારી ગતિમાં
જે વળાંકે વળ્યો ન હતો
એ તરફનો ઝોક છે.
નથી આચરી શક્યો
એવા અપરાધોના સિંદૂરથી રચાયો છે
મારી નિર્દોષતાનો અરીસો.

મને એકાંતપ્રિય માનતા મિત્રોને હવે કેમ સમજાવું
કે હું એકલવાયો છું !

- હરીન્દ્ર દવે