Friday, August 27, 2010

કોણ માનશે ?

મ્હોતાજ ના કશાનો હતો કોણ માનશે ?
મારોય એક જમાનો હતો કોણ માનશે ?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દીવાનો હતો કોણ માનશે ?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે ?

માની ર્હ્યુ છે જેને જમાનો જીવનમરણ
ઝઘડો એ ‘હા’ ને ‘ના’નો હતો કોણ માનશે ?

મસ્તીમાં આવી ફેરવી લીધી જગતની આંખ,
એ પણ સમય નશાનો હતો કોણ માનશે ?

હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો કોણ માનશે ?

રુસ્વા કે જે શરાબી મનાતો રહ્યો જગે,
માણસ બહુ મઝાનો હતો કોણ માનશે ?

– ''રુસ્વા મઝલૂમી''


Friday, August 13, 2010

તને વહાલો વરસાદ કે હું ?


મને સાચ્ચો જવાબ દઇશ તું ?
તને વહાલો વરસાદ કે હું ?

તને વરસાદી વાદળના વાવડ ગમે કે મારા આ મળવાના વાયદા ?
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે કે છત્રીના પાળવાના કાયદા ?
તને વરસાદી મોરલાનું ટેંહુક ગમે કે મારી આ કોયલનું કૂ ?

તને વરસાદી વાદળનું ચૂમવું ગમે કે તરસી આ આંખોનું ઝૂરવું ?
હું ને આ વાદળ બે ઊભાં જો હોઇએ તો, કોનામાં દિલ તારે મૂકવું ?
તને આભમાં રમતું એ વાદળ ગમે કે દરિયાનો કાંઠો ને હું ?

તને છોને વરસાદ હોય વ્હાલો પણ, કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં ?
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય તો આંખો ભીંજાય કોની યાદમાં ?
આઠે મહિના મને આંખોમાં રાખે ને ચોમાસે કહે છે જા છૂ…

-મુકેશ જોશી

Tuesday, August 3, 2010

તું મારાથી
ખૂબ દૂર દૂર રહે છે
એટલે અવારનવાર ફોન કરું છું.
મેં તને પૂછ્યું
કે ત્યાં વરસાદ છે કે નહીં
અને માત્ર તેં કહ્યું :
હા, આંખોમાં.

- આશા પુરોહિત