Wednesday, January 7, 2009

ઈશ્વરની છાતી ફુલાતી

પંખીઓ ઊડવાના કલાસ નથી ભરતાં
ન માછલી સ્વિમિંગ પૂલ જાતી,

ખુશબોએ વાયરાનું ટયૂશન કયાં રાખ્યું છે
તો પણ એ કેવી ફેલાતી.

ભમરો વિશારદ નથી તોય ગાય
કહે ફૂલોને કાનમાં પતંગિયાં,

બેટરીનું ખાનું વિજ્ઞાન નથી જાણતા
તો પણ શું ચમકે છે આગિયા.

ઝરણાઓ પૂછીને ભૂસકાં ન મારતાં
કેટલીક મળવાની ખ્યાતિ.

ઝાડવાંઓ યોગાસન શીખ્યાં નથી જ
છતાં ઊભાં અઠંગ એક ચરણે,

કીડી મંકોડાને ચિંતા કયાં હોય છે
કોણ મારી દીકરીને પરણે.

ઈર્ષા આવે દોસ્ત! એ રીતે ઊજવે છે
એ લોકો એમની હયાતી.

પર્વત પણ બી. એ., બી. એડ. નથી તોય
એની વાદળ સુધીની છે પહોંચ,

માણસ શું શીખ્યાં કે માણસાઈ લંગડાતી
મનમાં પહેરી જાણે મોચ.

આપણને નહીં એ લોકોને જોઈને
ઈશ્વરની છાતી ફુલાતી.

- મુકેશ જોષી

રહેવા દે,

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્ર્વાસ રહેવા દે.

પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્ર્વાસ રહેવા દે.

વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઇશ્ર્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.

મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.

જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.

તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું.તુ મારા માટે થોડી પ્યાસ રહેવા દે.

- હિતેન આનંદપરા

જિંદગીને જીવવાની ફિલસુફી

જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી

દુ:ખતો એનું છે કે એ દુનીયાના થઇને રહી ગયા
કે જેના ખાતર મારી દુનીયા મેં જુદી સમજી લીધી


કંઇક વેળા કઇક મુદ્દતને અમે માની નથી
તો કંઇ વેળા એક પળને જિંદગી સમજી લીધી


કે હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’
કે મારી બરબાદી ને જેની ખુશી સમજી લીધી.


- ‘મરીઝ’

બુકાનીની અંદર સ્વજન નીકળે છે,


બુકાનીની અંદર સ્વજન નીકળે છે,
તવાયફના કંઠે ભજન નીકળે છે.

છુપાવી શકાતી નથી વાત અંદર,
બરફ છું છતાં પણ અગન નીકળે છે.

તપાસ્યું છે કારણ ડૂબી કેમ નૌકા ?
પુરાણી સ્મૃતિનું વજન નીકળે છે.

સતત આમ ભટકે કઇ ઝંખનામાં ?
લઇ રૂપ મનનું આમ પવન નીકળે છે.

હવે ચાલ મૂંગા રહીને વાત કરીએ,
નિયત શબ્દની બદચલન નીકળે છે.


- અશોકપુરી ગોસ્વામી