મ્હોતાજ ના કશાનો હતો કોણ માનશે ?
મારોય એક જમાનો હતો કોણ માનશે ?
ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દીવાનો હતો કોણ માનશે ?
તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે ?
માની ર્હ્યુ છે જેને જમાનો જીવનમરણ
ઝઘડો એ ‘હા’ ને ‘ના’નો હતો કોણ માનશે ?
મસ્તીમાં આવી ફેરવી લીધી જગતની આંખ,
એ પણ સમય નશાનો હતો કોણ માનશે ?
હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો કોણ માનશે ?
રુસ્વા કે જે શરાબી મનાતો રહ્યો જગે,
માણસ બહુ મઝાનો હતો કોણ માનશે ?
– ''રુસ્વા મઝલૂમી''
Friday, August 27, 2010
કોણ માનશે ?
Friday, August 13, 2010
તને વહાલો વરસાદ કે હું ?
મને સાચ્ચો જવાબ દઇશ તું ?
તને વહાલો વરસાદ કે હું ?
તને વરસાદી વાદળના વાવડ ગમે કે મારા આ મળવાના વાયદા ?
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે કે છત્રીના પાળવાના કાયદા ?
તને વરસાદી મોરલાનું ટેંહુક ગમે કે મારી આ કોયલનું કૂ ?
તને વરસાદી વાદળનું ચૂમવું ગમે કે તરસી આ આંખોનું ઝૂરવું ?
હું ને આ વાદળ બે ઊભાં જો હોઇએ તો, કોનામાં દિલ તારે મૂકવું ?
તને આભમાં રમતું એ વાદળ ગમે કે દરિયાનો કાંઠો ને હું ?
તને છોને વરસાદ હોય વ્હાલો પણ, કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં ?
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય તો આંખો ભીંજાય કોની યાદમાં ?
આઠે મહિના મને આંખોમાં રાખે ને ચોમાસે કહે છે જા છૂ…
-મુકેશ જોશી
Subscribe to:
Posts (Atom)