વિધાતા, કેમ જીવન એક ખ્વાબ લાગે છે ?
તેં ઊંધમાં જ લખેલી કિતાબ લાગે છે.
બધાય સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે.
મને તમારા સમો, માહતાબ લાગે છે,
કે મારા પ્રેમનો ઠંડો જવાબ લાગે છે.
જીવનનાં સ્વપ્ન ભલા સત્ય થઇ શકે ક્યાંથી ?
એ પાનખરમાં ખીલેલાં ગુલાબ લાગે છે.
હજી પ્રણયમાં અમે પણ નથી હ્રદય ખોલ્યું,
હજી તમારા ઉપર પણ નકાબ લાગે છે.
પીધા વિના ય છવાઇ રહે છે બેહોશી,
વધારે પડતી તરસ પણ શરાબ લાગે છે.
કદાચ આજ હશે મારો શોકદિન બેફામ,
કે આજ ઝાંખો જરા આફતાબ લાગે છે.
- બેફામ.
No comments:
Post a Comment