Tuesday, January 27, 2009

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તને ય ખબર હોવી જોઇએ.

એક રોશની રહે છે સતત મારા પંથમાં,
મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.

લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.

નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.

ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.

હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.

આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.

‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી

- બરકત વિરાણી 'બેફામ'

ચાલ મળીએ

ચાલ મળીએ કોઇ પણ કારણ વિના,
રાખીએ સંબંધ કંઇ સગપણ વિના.

એક બીજાને સમજીએ આપણે,
કોઇ પણ સંકોચ કે મુંઝવણ વિના.

કોઇને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઇ પણ અવરોધ કે અડચણ વિના.

આપ તો સમઝીને કંઇ બોલ્યા નહીં,
મેં જ બસ બોલ્યા કર્યું , સમઝણ વિના.

- બાલુભાઇ પટેલ

Thursday, January 22, 2009

એ લોકો

એ લોકો કાપડના તાકાના તાકા ભરી રાખે છે.
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય
ત્યારે વાર વાર વેચે છે.
એ લોકો ધાનના ગોદામો ભરી રાખે છે.
પછી જ્યારે ભૂખ્યા માણસ સડી જાય
ત્યારે કિલો કિલો વેચે છે.
એ લોકો દવાની શીશીઓ ભરી રાખે છે.
પછી જ્યારે માણસ મરી જાય
ત્યારે ટીપે ટીપે રડે છે
એ લોકો નથી – એ તો છે
ચલણી નોટો ખાતી ઉધઈ.
મારે કવિ નથી થવું – મારે તો થવું છે
ઊધઈ મારવાની અસરકારક દવા.

– પ્રિયકાન્ત મણિયાર

Saturday, January 17, 2009

શું છે?

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?

ઋતુઓનો રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લગની, લગાવ, લહરો, આ હાવભાવ શું છે?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે?

ચિંતા નથી કશી પણ નમણાં નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?

- રાજેન્દ્ર શુકલ

Thursday, January 15, 2009

ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ।

- મુકુલ ચોકસી .

Wednesday, January 14, 2009

કેટલો ભયભીત જણાય છે

માણસ જુઓને કેટલો ભયભીત જણાય છે !
એના જ વિશે એ જ અનિશ્ચિત જણાય છે.

અંદરની અંધાધૂંધી ક્યાંથી ખબર પડે ?
બાકી બહારથી તો વ્યવસ્થિત જણાય છે.

આ કાન પણ થાકયા હવે પડઘાને સાંભળી,
સાચુકલા અવાજથી વંચિત જણાય છે.

માટીપગો માણસ સ્વયં દરવાજો ખોલશે,
એ વાતથી કિલ્લો ઘણો લજ્જિત જણાય છે.

ડૂબી ગયા પછી જ ગહનતા મળી શકે,
સંકેત કેટલો અહીં ગર્ભિત જણાય છે !


- અશોકપુરી ગોસ્વામી

Tuesday, January 13, 2009

ગઝલ બઝલ

અક્ષરબક્ષર, કાગળબાગળ, શબ્દોબબ્દો,
પરપોટેબરપોટે ક્યાંથી દરિયોબરિયો ?

કલમબલમ ને ગઝલબઝલ સૌ અગડમ બગડમ,
અર્થબર્થ સૌ વ્યર્થ, ભાવ તો ડોબોબોબો.

માઈકબાઈક ને અચ્છાબચ્છા, તાળીબાળી,
ગો ટુ હેલ આ કીર્તિબીર્તિ મોભોબોભો.

ટ્રાફિકબ્રાફિક, હોર્નબોર્ન ને સિગ્નલબિગ્નલ,
ઈસુબિસુનાં ઘેટાંને પર જડેબડે નહી રસ્તોબસ્તો.

સૂરજબૂરજ ને કિરણબિરણ સૌ અટકાયતમાં,
ચકમકબકમકથી પડશે નહિ તડકોબડકો.

ચશ્માબશ્મા કાચબાચમાં તિરાડ ત્રણસો,
વાંકોચૂકો, ભાંગ્યોતૂટ્યો ચહેરોબહેરો.

શ્વાસબાસમાં વાસ ભૂંજાતા માંસની આવે,
સમયબમયનો ખાધોબાધો ફટકોબટકો.

-ભગવતીકુમાર શર્મા