Showing posts with label તુષાર શુક્લ. Show all posts
Showing posts with label તુષાર શુક્લ. Show all posts

Thursday, March 3, 2011

તું પૂછે પ્રેમનું કારણ


તું પૂછે પ્રેમનું કારણ
હું કરતો પ્રેમ અકારણ.

પ્રેમ તો કેવળ પ્રેમ છે.
એમાં શું કારણ? શું કેમ?
ચાહીએ એને ચાહતા રહીએ
ભૂલી સઘળા વ્હેમ.

હું પામ્યો એટલું તારણ
આ પ્રેમ છે સાવ અકારણ-

ફૂલ સરીખો સહજ ખીલે
ને રેલી રહે સુગંઘ
પ્રેમ છે કેવળ પ્રેમને માટે
શાના ઋણાનુબંધ?

ના શરતોનું કોઇ ભારણ
આ પ્રેમ છે સાવ અકારણ-

- તુષાર શુક્લ

Monday, December 15, 2008

ના તને ખબર પડી, ના મને ખબર પડી,


ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી.

બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી
શરમાઇ જતી તો’યે મને જાણ’તો થતી,
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.

હૈયુના રહ્યું હાથ ગયુ ઢાળમાં દળી,
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયુ મળી.
ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં,
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી.

મારા વિના ઉદાસ છો એ જાણું છું પ્રીયે
મે પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મે સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને
તું આવ્યો જ્યાં નજીકને ત્યાં ઉકલી ગઇ ગડી.

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી.

- તુષાર શુક્લ

Saturday, December 6, 2008

એમ પૂછીને થાય નહીં પ્રેમ


દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, 'તને ભીંજાવું ગમશે કે કેમ ?';
એમ પૂછીને થાય નહીં પ્રેમ.


ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.


ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

-તુષાર શુક્લ