Sunday, December 28, 2008

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા


કૈંક ચોમાસાં અને વરસાદ રાધા;
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

- મુકેશ જોશી
નદીઍ જીદ પકડી કહ્યું હોત
કે મારે વહેવું નથી
તો ઍ થીજી ગઈ હોત.

પર્વતે જીદ પકડી કહ્યું હોત
કે મારે અડીખમ રહેવું નથી
તો એ ઢગલો થઈને ઢળી પડ્યો હોત.

તરણાઍ જીદ પકડી કહ્યું હોત
કે મારે પ્રકટવું નથી
તો ઍ અંધારામાં ધરબાઈ ગયું હોત.

કેવી ખુશનસીબ છે મીરાં
કે ઍણે આંબલિયાની ડાળ પકડી લીધી
અને એ નદી થઈને વહેવા લાગી
ગિરિ-ધરને હૈયે રહેવા લાગી
ને તરણાની આંખે આકાશને જોવા લાગી.

-સુરેશ દલાલ