Monday, January 5, 2009

આંસુ

આંખડીમાં હસતી ગુલાબકળી આંસુ:
ને સ્પંદનની મ્હેકતી આ ધૂપસળી આંસુ!

અણદીઠા દરિયાનું મોતી એક આંસુ:
ને વાદળાંની વીજઆંખ રોતી એ જ આંસુ!

પાનખરે છેલ્લું ઝરે પાન એ જ આંસુ:
ને કોકિલનું વણગાયું ગાન એ જ આંસુ!

ઝાકળનું ક્ષણજીવી બુંદ એક આંસુ:
ને ચિરજીવી વેદનાનું વ્રંદ એ જ આંસુ!

વાંસળીનો વિખૂટો સૂર એક આંસુ:
ને ગોપીનું સૂનું ઉર એ જ આંસુ!

કાળજામાં કોરાયા કૂપ એ જ આંસુ:
તમે મારો મ્હેણાં ને હોઠ ચૂપ એ જ આંસુ!

- સુરેશ દલાલ

Sunday, January 4, 2009

સીધો પરિચય છે

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે
રૂદનમાં વાસ્તવિકતા છે-ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે
આ મારું મન, ઘણા વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદ તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.

મને જોઇ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો!
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે "સૈફ" સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

- સૈફ પાલનપુરી

મેં દીઠા છે !

મૂલ, તોલ ને માપ વિહોણા,
આપ વિહરિયેં આપ વિહોણા.

ભૂલ, ચૂક કે થાપ વિહોણા,
તિલક, માલા, છાપ વિહોણા.

પુણ્ય વિહોણા, પાપ વિહોણા,
જાગ્યા કરિયેં જાપ વિહોણા.

આખે આખા શ્વાસ સમર્પિત,
કાપાકૂપી, કાપ વિહોણા.

તરવેણીને તીર તબકિયેં,
ત્રણે પ્રકારે તાપ વિહોણા.

વંશી વણ પણ મે દીઠા છે,
દીઠા છે શરચાપ વિહોણા.

આ તો અમથો વેશ ધર્યો છે,
મૂળે તો મા-બાપ વિહોણા.

- રાજેન્દ્ર શુકલ

શહેરમાં…..

એક અફવા છે ભયંકર શહેરમાં,
અશ્રુઓ સારે છે પથ્થર શહેરમાં.

શહેર છે કે સરહદી વિસ્તાર છે,
છે પડ્યું પાથર્યું લશ્કર શહેરમાં.

કાગડો વાચાળ બનતો જાય છે,
મૌન ઘૂંટે છે કબૂતર શહેરમાં.

લોકટોળા પર બધું નિર્ભર નથી,
કર્ફ્યુ પણ ઊજવે છે અવસર શહેરમાં.

દેવદરબારે મળી દાનવસભા,
ઊંઘતો ઝડપાયો ઈશ્વર શહેરમાં.

લોક પાડોશીને પણ ના ઓળખે,
એ જ ખૂબી છે બિરાદર શહેરમાં.

રાખજે ખિસ્સામાં સરનામું ખલીલ,
છે અકસ્માતો ભયંકર શહેરમાં.

-ખલીલ ધનતેજવી

દર્દની ભેટ

એક દી સર્જકને આવ્યો કૈં અજબ જેવો વિચાર;
દંગ થઈ જાએ જગત એવું કરું સર્જન ધરાર!

ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક,
ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક.


મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી,
વૃક્ષથી પરમાર્થ કેરી ભાવના ભેગી કરી.

બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મજધારથી,
મેળવ્યો કંકાસ મીઠો મોજના સંસારથી

પ્રેમ સારસનો ઉપાડ્યો પારેવાનો ફડફડાટ,
કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ.


ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ;
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ.

પંચભૂતો ભેળવી એ સર્વનું મંથન કર્યું,
એમ એક દી સર્જકે એક નારીનું સર્જન કર્યું.


દેવદુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી,
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી.


-‘શૂન્ય’ પાલનપુરી.


Saturday, January 3, 2009

બસ એટલી સમજ મને પરવરદિગાર દે

બસ એટલી સમજ મને પરવરદિગાર દે;
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

પીઠામાં મારૂં માન સતત હાજરીથી છે;
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું,મને એ ચિતાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતા નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામાં કંઇકનો હું કરજદાર છું 'મરીઝ ';
ચુકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

- 'મરીઝ'

સુખ

સુખ જેવું જગમાં કંઈ નથી, જો છે તો આ જ છે,
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.

હું જો અનુકરણ ન કરું તો કરુંયે શું ?
અહીંયા મરી જવાનો પ્રથમથી રિવાજ છે.

અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા ?
એ વ્હેમ છે તો વ્હેમનો તો ક્યાં ઈલાજ છે ?

દુનિયાના લોક હાથ પણ ના મૂકવા દિયે,
ને તું કહે સમસ્ત જગત મારે કાજ છે.

ઊઠ-બેસ વિણ, અજાન વિણ, પળમાં પતી જશે,
મસ્જિદમાં આખરી આ ‘જલન’ની નમાજ છે.

– જલન માતરી