Friday, February 13, 2009

લોકો કહે છે કે મીરા તો ક્રિશ્નના પ્રેમમાં પાગલ છે,
અરે તમે જરા પ્રેમ કરીને તો જુઓ કે એ પાગલપન શેનું છે?

રાધાતો જીવી રહિ ક્રિશ્નના વિરહંમાં જીવનભર,
કોઇના વિરહમાં ઝુરવિને તો જુઓ કે આ દુખ કેવું છે?

અમર બનીએ ઘડિ દરેક પ્રેમીના જીવનની,
પ્રેમના સંબંધની શરુઆત જ્યારે થઇ છે.

સાચા પ્રેમના સંબંધનેતો નામજ નથી મળ્યું આજ સુધિ,
બસ એમ સમજો આ રાધાને મીરાના પ્રેમ જેવું જ છે.

- પરિ ઠક્ક્ર્ર.

Tuesday, February 10, 2009

પ્રેમ અમારે કરવો


પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,
બાજી રમીએ અમે અને હા, જીત તમારી.

તમે સ્મિતને રહો સાચવી અને અમે અહીં આંસું,
તમે વસંતના કોકિલ; અમે ચાતક ને ચોમાસું,

અમે બારણાં ખુલ્લાં અને આ ભીંત તમારી
સાવ અચાનક તમને ક્યારેક, ખોટું માઠું લાગે,

પત્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગે
તીર મારો ને તોય અમારે કહેવાનું કે ફૂલ જેવી છે પ્રીત તમારી
- સુરેશ દલાલ

Tuesday, January 27, 2009

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તને ય ખબર હોવી જોઇએ.

એક રોશની રહે છે સતત મારા પંથમાં,
મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.

લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.

નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.

ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.

હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.

આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.

‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી

- બરકત વિરાણી 'બેફામ'

ચાલ મળીએ

ચાલ મળીએ કોઇ પણ કારણ વિના,
રાખીએ સંબંધ કંઇ સગપણ વિના.

એક બીજાને સમજીએ આપણે,
કોઇ પણ સંકોચ કે મુંઝવણ વિના.

કોઇને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઇ પણ અવરોધ કે અડચણ વિના.

આપ તો સમઝીને કંઇ બોલ્યા નહીં,
મેં જ બસ બોલ્યા કર્યું , સમઝણ વિના.

- બાલુભાઇ પટેલ

Thursday, January 22, 2009

એ લોકો

એ લોકો કાપડના તાકાના તાકા ભરી રાખે છે.
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય
ત્યારે વાર વાર વેચે છે.
એ લોકો ધાનના ગોદામો ભરી રાખે છે.
પછી જ્યારે ભૂખ્યા માણસ સડી જાય
ત્યારે કિલો કિલો વેચે છે.
એ લોકો દવાની શીશીઓ ભરી રાખે છે.
પછી જ્યારે માણસ મરી જાય
ત્યારે ટીપે ટીપે રડે છે
એ લોકો નથી – એ તો છે
ચલણી નોટો ખાતી ઉધઈ.
મારે કવિ નથી થવું – મારે તો થવું છે
ઊધઈ મારવાની અસરકારક દવા.

– પ્રિયકાન્ત મણિયાર

Saturday, January 17, 2009

શું છે?

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?

ઋતુઓનો રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લગની, લગાવ, લહરો, આ હાવભાવ શું છે?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે?

ચિંતા નથી કશી પણ નમણાં નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?

- રાજેન્દ્ર શુકલ

Thursday, January 15, 2009

ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ।

- મુકુલ ચોકસી .