Saturday, December 27, 2008

માણસ વારંવાર મરે છે.






કોઈ સ્થળે બેચાર મરે છે,
ક્યાંક કશે દસબાર મરે છે;
હિન્દુ મુસ્લિમ બંને સલામત,
માણસ વારંવાર મરે છે.

-ખલીલ ધનતેજવી

Friday, December 26, 2008


મેં તો વહેતાં ઝરણાને જોયું
ત્યારે મને ખબર પડી
કે પહાડ પણ પીગળી શકે છે !
.
- સુરેશ દલાલ

નકાબ લાગે છે.....

વિધાતા, કેમ જીવન એક ખ્વાબ લાગે છે ?
તેં ઊંધમાં જ લખેલી કિતાબ લાગે છે.

બધાય સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે.

મને તમારા સમો, માહતાબ લાગે છે,
કે મારા પ્રેમનો ઠંડો જવાબ લાગે છે.

જીવનનાં સ્વપ્ન ભલા સત્ય થઇ શકે ક્યાંથી ?
એ પાનખરમાં ખીલેલાં ગુલાબ લાગે છે.

હજી પ્રણયમાં અમે પણ નથી હ્રદય ખોલ્યું,
હજી તમારા ઉપર પણ નકાબ લાગે છે.

પીધા વિના ય છવાઇ રહે છે બેહોશી,
વધારે પડતી તરસ પણ શરાબ લાગે છે.

કદાચ આજ હશે મારો શોકદિન બેફામ,
કે આજ ઝાંખો જરા આફતાબ લાગે છે.

- બેફામ.

Thursday, December 25, 2008

પાંદડું કેવી રીતે પીળું થયું

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મ્રણ્ ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સત્ત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું તું કોણ છે ?
એનો ઉત્ર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમ્સ્તો ઉપલક જોયો, ‘રમેશ’,
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?
—રમેશ પારેખ

Wednesday, December 24, 2008

એક પ્રશ્નપત્ર

1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.

2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો,કેમ, ખરું ને…
‘હા’ કે ‘ના’માં જવાબ આપો.

3. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ !)
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.

4. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો, ત્યાં તમને જોયાં.
તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું : રસ-આસ્વાદ કરાવો.
5. શ્વાસોચ્છવાસો કોના માટે? કારણ પૂરાં પાડો.
6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)

7. ‘તમને હું ચાહું છું, ચાહીશ.’ કોણે,કયારે,કોને,આવી પંક્તિ(નથી)કહી?

8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહિતર કેન્સલ વ્હોટ ઈઝ નોટ
એપ્લીકેબલ.

- ઉદયન ઠક્કર

મને મારી ભાષા ગમે છે,

મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.

‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી -
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.

બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ‘ડિશ’ શીખવા ‘cooking class’માં ગઈ નહોતી
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.

મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.

-વિપિન પરીખ

Tuesday, December 23, 2008


ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
'ઘાયલ' નિભાવવી'તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.
- અમૃત 'ઘાયલ'