Sunday, December 7, 2008

ભીંજાવામાં નડતર જેવું લાગે છે:

ભીંજાવામાં નડતર જેવું લાગે છે:
શરીર સુદ્ધાં,બખ્તર જેવું લાગે છે।

મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
”ઊઘડી જઈએ:અવસર જેવું લાગે છે…”

મોસમની હિલચાલ જ છે આશાવાદી:
સોળ અચાનક સત્તર જેવું લાગે છે।

ખુલ્લા ડિલે વૃદ્ધ મકાનો ઊભાં છે,
અક્કેકું ટીપું શર જેવું લાગે છે !


- ઉદયન ઠક્કર

મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,

મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.

ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.

આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.

મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.

લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.

- કૈલાસ પંડિત

અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

રસમ અહીંની જુદી,નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા


હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે કે બાકસનાં ખોખાં


લચ્યા’તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપનાં છે સુક્કાં મલોખાં

તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા


વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા


- મનોજ ખંડેરિયા

દિવસો જુદાઈના જાય છે,

દિવસો જુદાઈના જાય છે,એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે,હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહીં ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું,ફકત એકમેકના મન સુધી।

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

- ગની દહીંવાલા

Saturday, December 6, 2008

તમે યાદ આવ્યાં


પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
.
.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
.
.
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
.
.
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
.
.
કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
.
.
- હરીન્દ્ર દવે.

આ કવિતા આવે છે ક્યાંથી ?

લોક પૂછે છે :
આ કવિતા આવે છે ક્યાંથી ?
મને પણ થાય છે કે
આ વાયરો મૂળ ક્યાંનો વતની ?
મહાસાગરની રાષ્ટ્રીયતા કઈ ?
આ મેઘધનુષ ક્યાંથી redirect થઈને આવ્યું ?
ઝાકળના ગામનો પિનકોડ નંબર શો ?
ઊર્ધ્વમૂલ વૃક્ષ કઈ વાડીમાં ઊભું છે ?

અનંતના વહેણમાં અતીતનો ઓવારો ક્યાં આવ્યો ?
વૃક્ષને કલરવ ફૂટે એમ
મૌનને ફૂટે છે શબ્દ
ને ત્યારે
કવિ અને ઈશ્વર વચ્ચે
માંડ એક વેંતનું છેટું હોય છે.

- ગુણવંત શાહ

એમ પૂછીને થાય નહીં પ્રેમ


દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, 'તને ભીંજાવું ગમશે કે કેમ ?';
એમ પૂછીને થાય નહીં પ્રેમ.


ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.


ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

-તુષાર શુક્લ